top of page
Search

આ શહીદોને સલામ !


' ઑપરેશન સિંદુર'ના આ શહીદોને સલામ ! / સંજય સ્વાતિ ભાવે

‘કહાં ગયે યે લોગ?’ – એવો સવાલ થયા કરે છે.

લડાઈની વાતો બધે જ પૂરજોશથી ચાલી.પણ જે ખરેખર લડી રહ્યા છે,સરહદ પર ઘાયલ થઈ રહ્યા છે, જાનની બાજી લગાવી રહ્યા છે, માતૃભૂમિ માટે પ્રાણ ન્યોછાવર કરી રહ્યા છે તેમના વિશેની માહિતી વીણવી પડે એમ છે.

ટીઆરપી થકી ટંકશાળ માટે ભૂખી વિઘાતક ચૅનલો તો છેલ્લી પાટલીએ બેસીને વિશ્વસનિયતા ગુમાવી ચૂકી છે. અખબારોમાં શહીદોની વિઝિબિલિટી – કોઈ પણ હિસાબે નહીવત છે.

સત્તાવાર પત્રકાર પરિષદોમાં આ વિગતો સાંભળવામાં આવી નથી.પણ છતાં એક યા બીજા સત્તાવાર સૂત્રો શહીદોની માહિતી આપી રહ્યા છે.

સવાલ એમને આપવામાં આવતા સ્ક્રીન ટાઇમ અને પ્રિન્ટ સ્પેસનો છે.ચૅનલો અને છાપાંએ ભારે નિરાશા કરી છે.

શક્તિશાળી રાજકીય વ્યક્તિઓ અને માથે ચડાવેલા સેલિબ્રિટિઝની તદ્દન એટલે શરમજનક રીતે વાહિયાત માહિતી માટે મહત્વનો ટાઈમ અને મહત્વની સ્પેસ ફાળવવામાં આવે છે.

શહાદતોની માહિતી શેર કરવાની દાનત બોદી અને દંભી ચાંપદબાઉ વૉટ્સૅપિયા-ટ્વિટરિયા દેશભક્તોમાં નથી.

નાની ઉંમરમાં (કે કોઈપણ ઉંમરમાં) દેશ માટે કુરબાની આપનારા,ભર્યો સંસાર સમાજની હિફાઝત માટે છાંડીને જનારા આપણા સૈનિકોના બલિદાનની થઈ રહેલી ઉપેક્ષા ખૂબ નિંદનીય છે.

અહીં એકઠી કરીને મૂકેલી વિગતો ધ્યાનથી વાંચતાં ઘણી બાબતો હૃદયને સ્પર્શી જાય તેના માટે દેશભક્ત હોવું અનિવાર્ય નથી.



શહીદ લાન્સ નાયક દિનેશ કુમાર

હરયાણાના પલવાલ જિલ્લાના ગુલાવટ ગામના વતની એવા બત્રીસ વર્ષના લાન્સ નાયક દિનેશ કુમાર 7 મે ના બુધવારે રાત્રે વીરગતિને પામ્યા.

ભારતે ઑપરેશન સિંદુર શરૂ કર્યા બાદ પાકિસ્તાને મંગળવારે લાઇન ઑફ કન્ટ્રોલ પાસેના વિસ્તારોમાં જોરદાર અનૈતિક હુમલો શરૂ કર્યો. તેનો સહુથી વધુ ભોગ બનનારા પૂંચમાં 12 નાગરિકો માર્યા ગયા અને દિનેશ કુમાર શહીદ થયા.

ગુરુવારે બપોરે હજારો લોકોએ આપેલા ‘ઇન્ડિયન આર્મી જિંદાબાદ’ અને ‘દિનેશ કુમાર અમર રહે’ ના નારાની વચ્ચે તેમના પાર્થિવ દેહને, ગામના રસ્તા પરથી સન્માનપૂર્વક અંતિમ યાત્રા બાદ, અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા.

દિનેશ કુમારના પત્ની સીમા, પલવલ જિલ્લા અદાલતમાં વકીલાત કરે છે.તેમણે સંભાર્યું કે તેમને પતિનો ફોન બુધવારે આવ્યો હતો,ગર્ભાવસ્થા દરમિયાન લેવાની દવાને કારણે તેમની આંખ ન ખૂલી અને વાત ન થઈ શકી જેનો તેમને જિંદગીભર રંજ રહેશે.

સીમાબહેને એમ પણ કહ્યું કે તેમની સાત વર્ષની દીકરી અને ત્રણ વર્ષનો દીકરો પણ લશ્કરમાં જશે. તેમના પિતા દયાચંદે જણાવ્યું કે પાંચ ભાઈઓમાંથી સહુથી મોટા દિનેશકુમારે દસમા ધોરણની પરીક્ષા પાસ કરી ત્યારથી જ સૈનિક બનવાનું નક્કી કર્યું હતું.

તેમના બે ભાઈ જલંધર અને જબલપુરમાં અગ્નિવીર છે. તેમાંથી વીસ વર્ષના હરિ દત્તે કહ્યું કે મોટા ભાઈએ તેને પોતાને તેમ જ વિસ્તારના અનેક યુવાનોને લશ્કરમાં જોડાવા માટે પ્રેરણા અને માર્ગદર્શન પૂરાં પાડ્યાં.

ઉમદા માણસ દિનેશકુમાર વર્ષમાં બે વખત એક-એક મહિનાની રજા પર ઘરે આવતા અને પૂરો સમય પરિવારની સાથે વીતાવતા. દિનેશકુમાર જે રાત્રે શહીદ થયા તે જ તારીખ 2014 માં તેમના લશ્કરી ફરજ માટે પસંદગી પામવાની તારીખ હતી.

* * * * *

શહીદ એમ.મુરલી નાઇક

લાઈન ઑફ કન્ટ્રોલ પરથી પાકિસ્તાનના હુમલામાં માત્ર 23 વર્ષના એમ.મુરલી નાઇક 9 મેના શુક્રવારે વહેલી સવારે શહીદ થયા.

મુંબઈના ઘાટકોપરના કામરાજ નગરમાં રહેતા તેમના માતાપિતા આંધ્ર પ્રદેશમાંથી આવીને વર્ષોથી બાંધકામ મજૂરી કરતા હતા.તેમનો એકનો એક દીકરો ડિસેમ્બર 2022 માં અગ્નિવીરની પહેલી બૅચમાં પસંદ થયા બાદ તેઓ સત્ય સાઈ જિલાના તેમના વતનનાં આદિવાસી ગામ કલ્લીથાન્ડમાં જઈને વસ્યાં.

તેઓ દીકરાને છેલ્લે છ જાન્યુઆરીએ તે પંદર દિવસની રજા પર આવ્યો હતો ત્યારે મળ્યા હતા. 851 લાઈટ રેજિમેન્ટના જવાન મુરલીએ તેના મા-બાપ સાથે છેલ્લે ગુરુવારે સવારે વિડિયો કૉલ પર વાત કરી હતી ત્યારે તે યુનિફૉર્મમાં હતા, અને રાતની ફરજ પરથી પાછા આવ્યા હતા.

મુરલીના પર્થિવ દેહને બેન્ગ્લુરુના વિમાન મથકેથી રોડ માર્ગે વતનમાં લાવવાના રસ્તે અનેક ગામોના લોકોએ તેમને ભાવભરી અંજલિ આપી.મુરલીના અંતિમ સંસ્કાર આજે રવિવારે તેમના વતનમાં હજારોની મેદનીએ આપેલી વીરાંજલિ સાથે કરવામાં આવ્યા હતા.

* * * * *

શહીદ સબ ઇન્સ્પેક્ટર મોહમ્મદ ઇમ્તિઆઝ

બૉર્ડર સિક્યુરિટી ફોર્સના સબ ઇન્સ્પેક્ટર મોહમ્મદ ઇમ્તિઆઝ લાઇન ઑફ કન્ટ્રોલ પર આર.એસ પુરા સેક્ટરમાં પાકિસ્તાને કરેલા ભારે ગોળીબારમાં 10 મેના શનિવારે શહીદ થયા.તેમની સાથેના છ જવાનો ઘાયલ થયા જે સારવાર હેઠળ છે.

બિહારના છાપરા કસબાના વતની મોહમ્મદભાઈએ તેમના ભાણીયા મોહમ્મદ આફતાબ સાથે થોડા દિવસ પહેલાં અને તેમના ગામના મિત્ર અર્જુન રાય સાથે શુક્રવારે વાત કરી હતી જેમાં તેમણે પરિસ્થિતિ બહુ ગંભીર હોવાનું જણાવ્યું હતું.

* * * * *

શહીદ સાર્જન્ટ સુરેન્દ્રકુમાર મોગા

ભારતીય હવાઈ દળના 36 વર્ષના સાર્જન્ટ સુરેન્દ્રકુમાર મોગા પાકિસ્તાની હુમલામાં શનિવારે ઉધમપુર ખાતે શહીદ થયા. પાકિસ્તાને છોડેલા ડ્રોન્સ ભારતીય સેનાએ તોડી પાડ્યાં. પણ તે વખતે તેનો કાટમાળ સુરેન્દ્રકુમાર પડતા તેમનું મૃત્યુ થયું.

ચૌદ વર્ષથી વાયુસેના સાથે જોડાયેલા સુરેન્દ્રકુમાર મૂળ બેન્ગલુરુની 36 વિન્ગના મેડિકલ આસિસ્ટન્ટ હતા,જેઓ તાજેતરમાં ઉધમપુરના લશ્કરી હવાઈ મથકના દવાખાનામાં પોસ્ટ થયા હતા. પાકિસ્તાન શ્રીનગર, ઉધમપુર અને અવન્તિપુરના તબીબી કેન્દ્રો તેમ જ શાળાઓને નિશાન બનાવી રહ્યું હતું.

રાજસ્થાનના ઝુનઝુનુ જિલ્લાના મેહરાદાસી ગામના રહેવાસી સુરેન્દ્રકુમારના પરિવારમાં તેમના તેમના માતુશ્રી નાનુ દેવી, પત્ની સીમા, 11 વર્ષની દીકરી અને ચાર વર્ષનો દીકરો છે. તેમણે બંધાવેલાં ઘરનું વાસ્તુ થોડા દિવસ બાદ થવાનું હતું.

* * * * *

શહીદ સુબેદાર મેજર પવન કુમાર જરિયાલ

સુબેદાર મેજર પવન કુમાર જરિયાલે પૂંચ પર પાકિસ્તાને રાજૌરી સેક્ટરમાં કરેલા શેલિંગમાં શહાદત વહોરી. પચાસ વર્ષના પવન કુમાર 32 વર્ષની સેવા બાદ 31 ઑગસ્ટે નિવૃત્ત થવાના હતા.

25 પંજાબ રેજિમેન્ટના આ સૈનિકે નિવૃત્તિ પહેલાંની આખરી પોસ્ટની પસંદગીની તકનો ઉપયોગ સરહદ પર દેશ માટે પ્રાણ આપવા માટે કર્યો !

આ માહિતી પવન કુમારના 75 વર્ષના પિતા ગરજ સિંગે આપી જેઓ પંજાબ રેજિમેન્ટના જવાન તરીકે નિવૃત્ત થયા હતા.

હિમાચલ પ્રદેશના કાંગરા જિલ્લાના શાહપુર ગામના વતની પવન કુમારના પરિવારમાં તેમના માતાપિતા,પત્ની તેમ જ યુવાન દીકરા અભિષેક અને દીકરી અનામિકાનો સમાવેશ થાય છે.

ધરમશાલામાં અભ્યાસ કરી રહેલા અભિષેકે કહ્યું કે પિતાજી તેને રોજ સવારે ‘ગુડ મૉર્નિન્ગ’ નો મેસેજ કરતા, જે શનિવારે સવારે ન આવ્યો.

* * * * *

શહીદ રાઇફલમૅન સુનિલકુમાર

જમ્મુ ઍન્ડ કશ્મિર લાઈટ ઇન્ફન્ટ્રીના રાઇફલમૅન સુનિલકુમાર આર.એસ.પુરા સેક્ટરમાં પાકિસ્તાને કરેલાં હુમલામાં શહીદ થયા. તેમના અંતિમ સંસ્કાર તેમના જમ્મુમાં આવેલા વતન ત્રેવામાં હજારો નાગરિકોએ આપેલી અંજલિ વચ્ચે સંપૂર્ણ સન્માન સાથે કરવામાં આવ્યા.

‌‌‌‌-----------------------------------------------------

માહિતી : અનેક માધ્યમો ∙ કોલાજ સૌજન્ય : પાર્થ ત્રિવેદી

11 મે 2025


 
 
bottom of page