નવરાત્રિ — નારી ઊર્જાનું પર્વ
સૂર્ય પૃથ્વીના વિષુવવૃત્તથી ઉત્તર કે દક્ષિણ તરફ મહત્તમ અંતરે હોય છે, ત્યારે તેને અયનકાળ કહેવામાં આવે છે. યોગિક સંસ્કૃતિમાં, જૂન મહિનામાં આવતો ઉનાળુ અયનકાળ દક્ષિણાયનની શરૂઆત દર્શાવે છે. આ સમયથી પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં સૂર્ય આકાશમાં દક્ષિણ તરફ ગતિ કરવાનું શરૂ કરે છે. એ જ રીતે, ડિસેમ્બર મહિનામાં આવતો શિયાળુ અયનકાળ ઉત્તરાયણની શરૂઆત દર્શાવે છે, એટલે કે સૂર્યની ઉત્તર તરફની ગતિનો આરંભ થાય છે.
ડિસેમ્બરમાં ઉત્તરાયણની શરૂઆતથી લઈને જૂનમાં દક્ષિણાયણની શરૂઆત સુધીના વર્ષના છ મહિનાના સમયગાળાને જ્ઞાન પદ કહેવામાં આવે છે. જ્યારે દક્ષિણાયણની શરૂઆતથી લઈને ઉત્તરાયણની શરૂઆત સુધીના બાકીના છ મહિનાના સમયગાળાને સાધના પદ તરીકે ઓળખવામાં આવે છે.

સૂર્યની દક્ષિણ તરફની ગતિનો આ સમયગાળો આત્મીયતા અને સ્ત્રીતત્ત્વનો તબક્કો છે. આ સમય દરમિયાન પૃથ્વી જાણે સ્ત્રી તરીકેની પોતાની ભૂમિકા ભજવી રહી હોય છે. સ્ત્રીશક્તિ સાથે સંકળાયેલા તહેવારો આ છ મહિનામાં જ ઉજવવામાં આવે છે.
આ ભૂમિની સમગ્ર સંસ્કૃતિ આ કુદરતી ચક્ર સાથે સુસંગત હતી. અહીં દર મહિને કોઈ ને કોઈ તહેવાર ઉજવવામાં આવે છે
નવરાત્રિ સાધના
સ્ત્રીશક્તિની કૃપા પ્રાપ્ત કરવી
ભારતીય સંસ્કૃતિમાં એક એવો સમય હતો, જ્યારે વર્ષના દરેક દિવસે કોઈ ને કોઈ તહેવાર ઊજવાતો હતો — એટલે કે વર્ષમાં ૩૬૫ તહેવારો! તેનું કારણ એ હતું કે તહેવાર જીવનમાં ઉત્સાહ, ઉમંગ અને આનંદની પરાકાષ્ઠા લાવવાનું એક સાધન છે. તહેવારોનું આ જ મહત્ત્વ અને ગૌરવ હતું. સમગ્ર સંસ્કૃતિ ઉત્સવમય જીવન જીવતી હતી. જો આજે હળ ચલાવવાનો દિવસ હોય, તો એ પણ એક ઉત્સવ હતો. આવતીકાલે વાવણીનો દિવસ હોય, તો એ પણ એક ઉત્સવ હતો. એના પછીના દિવસે નીંદણ કાઢવાનું હોય, તો એ પણ એક ઉત્સવ હતો. અને પાકની લણણી તો આજે પણ ઉત્સવ તરીકે જ ઊજવાય છે.

તહેવાર એટલે આખો મહોલ્લો - આખી સોસાયટી, આખું નગર, એક જગ્યાએ ભેગું થાય અને ભવ્ય ઉજવણી થાય. તહેવાર એટલે વહેલી સવારે ઊઠી જવું અને ઘરના દરેક સભ્યે પૂરા ઉત્સાહ અને સહભાગી થઇ જે તે તહેવારની અનેક પ્રવૃત્તિઓમાં જોડાઈ જવું.
વર્ષના આ સ્ત્રીતત્ત્વના અર્ધભાગમાં, સપ્ટેમ્બર - ઓક્ટોબર માસ દરમ્યાન આવતો શરદ સંપાત એક મહત્ત્વપૂર્ણ સમયગાળો દર્શાવે છે. આ દિવસ પછી આવતી પ્રથમ અમાસને મહાલય અમાસ તરીકે ઓળખવામાં આવે છે. મહાલય અમાસ એ આપણા જીવનમાં યોગદાન આપનાર અગાઉની તમામ પેઢીઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો અને તેમના માટે શ્રાદ્ધ અર્પણ કરવાનો વિશેષ દિવસ છે.

મહાલય અમાસ એ દેવીના સમયની શરૂઆત પણ છે. મહાલય અમાસથી લઈને ડિસેમ્બરમાં ઉત્તરાયણની શરૂઆત થાય ત્યાં સુધીના ત્રણ મહિનાના સમયગાળાને દેવી પદ કહેવામાં આવે છે. આ સમયગાળામાં પૃથ્વીનો ઉત્તર ગોળાર્ધ જાણે નરમ અને શાંત બની જાય છે, કારણ કે વર્ષ દરમિયાન આ જ સમય એવો હોય છે જ્યારે ઉત્તર ગોળાર્ધને સૂર્યપ્રકાશ સૌથી ઓછો મળે છે. તેથી પ્રકૃતિની દરેક વસ્તુમાં એક પ્રકારની શાંતિ અને મંદતા છવાઈ જાય છે. બધું જાણે શાંત થઈ જાય છે અને તેની પ્રવૃત્તિઓની તીવ્રતા ઓછી થઈ જાય છે.
![]() શુભો મહાલયા.... મહાલયા પર્વ છે. મહાલયાનો દિવસ બંગાળી સંસ્કૃતિ અને સમાજ માટે બહુ ખાસ મનાય છે. બંગાળી લોકકથા અને પરંપરા પ્રમાણે મહાલયા એટલે એ દિવસ જ્યારે મા દુર્ગાનું આહવાન કરવામાં આવ્યું હતું. માને આ ધરતી પર બોલાવવામાં આવી હતી. લાલ કોરની સફેદ પૂજા સાડી અને શંખની સફેદ ને લાખની લાલ શાખોપોલો ચૂડલીઓ પહેરેલા સ્ત્રીઓના બે હાથ આરાધનાવશ આકાશ તરફ જોડાયા હતા. આજે એ દિવસ જ્યારે ઢાક અને ઢોલના તાલે લાલ, સોનેરી, વાદળી કૂર્તા અને રતુંબડી સફેદ ધોતી પહેરેલા પુરુષો નભમંડળ તરફ ત્રાહિમામ ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. પૂર્વ દિશાની ક્ષિતિજે જાણે કોઈએ અલ્તો કર્યો હોય એવી શુકનવંતી લાલાશ ભરેલી આભા ઉપસી આવેલી. હુગલી નદીના નીર ખળભળ્યા અને કાલીપીઠમાં આપોઆપ ઝાલર ને ઘંટનાદ થયા. દશે દિશાએ પથરાયેલા સહસ્ત્રાદિક સરોવરના કમળો ફૂલકેડી બની પથરાયા, આઠે પ્રહરમાંથી જાણે શંખનાદ થયા અને ઉમાપતિ મહાદેવની વામ જાંઘ પર બિરાજમાન દેવી વાસંતી આળસ મરડીને ઉભા થયા. અષ્ઠમંડળ સિંહની ગર્જનાથી ગુંજી ઉઠ્યા. સમુદ્રના મોજાઓ સાથે દેવી લક્ષ્મીના શુભવાહન ઘુવડે સ્તુતિગાન કર્યું, કાળરાત્રની કાળ જોગણીએ રક્તરંજીત હોઠથી શુભોધ્વનીનો અવાજ કરી દુર્ગાની પધરામણીની વધામણી ખાધી. દેવીના ભાલે લાલ તિલક થયું અને પાર્વતીનું સુષુપ્ત ત્રીજું નેત્ર જાગ્રત બન્યું...ચૌદ ભુવનમાં જેનો મહાસંતાપ હતો એવા મહિષાસુરને હણવા દેવીએ પોતાના જમણા પગનો અંગુઠો આગળ ધર્યો અને જગદંબાએ કુમકુમવર્ણો પગ ધરતી પર મૂક્યો. મહાલયા એ મહાશક્તિ, પરાશક્તિ,આદિશક્તિ અને દૈવીશક્તિને આંગણિયે બોલાવવાનો દિવસ છે ! ~ રામ મોરી |
સ્ત્રીશક્તિની ઉપાસના
મહાલય અમાસના બીજા દિવસથી નવરાત્રિ અને દશેરાનો પ્રારંભ થાય છે. આ બંને તહેવારો મુખ્યત્વે દેવીની આરાધનાને સમર્પિત છે.
નવરાત્રિના નવ દિવસોને ત્રણ મૂળભૂત ગુણો — તમસ, રજસ અને સત્ત્વ — અનુસાર વહેંચવામાં આવ્યા છે. પ્રથમ ત્રણ દિવસ તમસના છે, જેમાં દેવી દુર્ગા અને કાળી જેવા ઉગ્ર સ્વરૂપોમાં પ્રગટ થાય છે. પછીના ત્રણ દિવસ લક્ષ્મી સાથે સંબંધિત છે. લક્ષ્મીનું સ્વરૂપ સૌમ્ય છે, પરંતુ તે ભૌતિક સમૃદ્ધિ અને સાંસારિક સુખ સાથે જોડાયેલું છે. છેલ્લા ત્રણ દિવસ સરસ્વતીને સમર્પિત છે, જે સત્ત્વનું પ્રતીક છે. તે જ્ઞાન અને આત્મબોધ સાથે સંબંધિત છે.

તમસનો અર્થ જડતા અથવા નિષ્ક્રિયતા થાય છે. રજસનો અર્થ પ્રવૃત્તિ, કર્મશીલતા અને ઉત્કટતા થાય છે. જ્યારે સત્ત્વને એક રીતે સીમાઓ તોડવાની, વિલીન થવાની, ઓગળવાની અને એકરૂપ થઈ જવાની અવસ્થા કહી શકાય.
આપણા શરીરની રચના અને અસ્તિત્વ જે ત્રણ ખગોળીય પિંડો સાથે ગાઢ રીતે જોડાયેલાં છે — પૃથ્વી, સૂર્ય અને ચંદ્ર — તેમાંથી પૃથ્વીને તમસનું પ્રતીક માનવામાં આવે છે, સૂર્યને રજસનું અને ચંદ્રને સત્ત્વનું પ્રતીક માનવામાં આવે છે.
તમસ પૃથ્વીનો સ્વભાવ છે અને પૃથ્વી જ આપણને જન્મ આપે છે. માતાના ગર્ભમાં આપણે જે સમય વિતાવીએ છીએ, તે તમસની અવસ્થા છે. આ અવસ્થા જાણે શીતનિદ્રા જેવી છે, પરંતુ આ દરમિયાન આપણો વિકાસ થતો રહે છે. આમ, તમસ એ પૃથ્વીનો અને આપણા જન્મનો સ્વભાવ છે.

જે ક્ષણે આપણે ગર્ભમાંથી બહાર આવીએ છીએ, ત્યારથી જ આપણી પ્રવૃત્તિઓ શરૂ થઈ જાય છે — એટલે કે રજસનો પ્રારંભ થાય છે. અને જો આપણામાં પૂરતી જાગૃતિ હોય અથવા આપણે ભાગ્યશાળી હોઈએ, તો સત્ત્વનો સ્પર્શ આપણને થઈ શકે છે.
જે લોકો શક્તિ, અમરત્વ અને બળની પ્રાપ્તિની અભિલાષા રાખે છે, તેઓ સ્ત્રીશક્તિના તે સ્વરૂપોની ઉપાસના કરે છે, જેને તમસ સાથે જોડવામાં આવે છે. માઁ કાળી અને ધરતીમાતા તેનાં ઉદાહરણો છે.
જે લોકો ધન, ઉત્કટતા, જીવનનો ભરપૂર અનુભવ અને ભૌતિક જગત દ્વારા પ્રાપ્ત થઈ શકે તેવી વિવિધ ભેટોની અભિલાષા રાખે છે, તેઓ સ્વાભાવિક રીતે સ્ત્રીશક્તિના એ સ્વરૂપ તરફ આકર્ષાય છે, જેને લક્ષ્મી અથવા સૂર્ય સાથે સાંકળવામાં આવે છે.
જે લોકો જ્ઞાન, સત્યને જાણવા અને નશ્વર શરીરની મર્યાદાઓથી પર જવાની અભિલાષા રાખે છે, તેઓ સ્ત્રીશક્તિના એ પાસાની ઉપાસના કરે છે, જે સત્ત્વ તરીકે ઓળખાય છે. સરસ્વતી એનું પ્રતિનિધિત્વ કરે છે, અને તેને ચંદ્ર સાથે પણ સાંકળવામાં આવે છે.
નવરાત્રિના આ નવ દિવસોની ગોઠવણી આ રીતે કરવામાં આવી છે, કારણ કે આખરે આપણો ઉદ્ભવ પૃથ્વીમાંથી જ થયો છે. ત્યારબાદ આપણે સક્રિય જીવન જીવીએ છીએ, જે રજસ છે — દેવીનું બીજું સ્વરૂપ. ત્રીજું સ્વરૂપ આપણા જીવનમાં આપમેળે આવી શકે છે અથવા કદાચ ન પણ આવે. જો આપણે તેને પોતાની અંદર ઉતારવા માગતા હોઈએ, તો તેના માટે પ્રયત્ન કરવો પડે. અન્યથા, તે આપણી અંદર ઊતરશે નહીં.
કાળી ધરતી પર ઊભી છે. લક્ષ્મી કમળના ફૂલ પર બિરાજમાન છે. અને સરસ્વતી મોર પર સવાર છે.
આ નવ દિવસો અને જીવનના દરેક પાસાને ઉત્સવભાવથી માણવું અત્યંત મહત્ત્વપૂર્ણ છે.
જો આપણે દરેક બાબતને ઉત્સવભાવથી જીવવાનું શીખીએ, તો જીવન પ્રત્યે અતિશય ગંભીર થયા વિના તેમાં સંપૂર્ણપણે જોડાયેલા રહેતાં શીખી શકીએ છીએ. અત્યારે મોટા ભાગના મનુષ્યોની સમસ્યા એ છે કે તેઓ કોઈ બાબતને મહત્ત્વપૂર્ણ માને છે, તો તેના પ્રત્યે અતિશય ગંભીર બની જાય છે. અને જો કોઈ બાબતને બહુ મહત્ત્વપૂર્ણ ન માને, તો તેના પ્રત્યે બેદરકાર બની જાય છે — તેમાં જેટલી સંલગ્નતા અને સહભાગિતા હોવી જોઈએ, એટલી રાખતા નથી.
જીવનનું રહસ્ય એમાં છે કે દરેક બાબતને ગંભીરતાના ભાર વિના જોવી, પરંતુ તેમાં પૂરી નિષ્ઠા અને સંપૂર્ણપણે જોડાયેલા રહેવું — જાણે આપણે કોઈ રમત રમી રહ્યા હોઈએ.






