ઠોકર - સૌથી મોટો ગુરુ

ઠેબે ભાંગ્યું ઠીકરું, ઠેબે ફોડ્યાં ઠામ
ઠેબે ચડિયા ઠાવકાં, ઠાકર લઇ જા ઠામ
(કવિ શ્રી અરવિંદ બારોટ)
જીવન એટલે સતત ચાલતી એક યાત્રા.પણ આ જીવનયાત્રાનો માર્ગ ક્યારેય સીધો અને સરળ હોતો નથી. માણસને લાગતું હોય છે કે બધું પોતાના આયોજન પ્રમાણે ચાલી રહ્યું છે, પરંતુ એક નાની ઠોકર આખી દિશા બદલી નાખે છે. માણસને ડગલે ને પગલે કેટલીયે ઠોકરો ખાવી પડે છે. ક્યારેક પરિસ્થિતિની ઠોકર, ક્યારેક સંબંધોની ઠોકર, તો ક્યારેક પોતાની ભૂલની ઠોકર. પરંતુ દરેક ઠોકર માણસને કંઈક શીખવી જાય છે.
ઠોકર વાગે એટલે માટીનું ઠીકરું તૂટી જાય છે. પરંતુ માણસ ક્યાં ઠીકરું છે? તેનામાં સમજવાની, સંભાળવાની અને ફરી ઊભા થવાની શક્તિ છે.જીવનમાં ખાધેલી ઠોકર આપણને તોડી પણ શકે અને ઘડી પણ શકે. આપણે તેને કેવી રીતે સ્વીકારીએ છીએ, તેના પર આપણું જીવન ઘડાય છે. ક્યારેક એક નાની ઠોકર પણ જીવનના અનેક બંધ દરવાજા ખોલી નાખે છે. જે વાત સુખમાં સમજાતી નથી, તે ઘણી વાર દુઃખમાં સમજાય છે. જે પાઠ વર્ષોની સલાહથી શીખાતો નથી, તે એક અનુભવની ઠોકર શીખવી જાય છે. એટલે તો કવિ લખે છે : "ઠેબે ફોડ્યાં ઠામ". માનવ અસ્તિત્વ માટીના વાસણ સમું હોય છે. ઠોકર માત્ર ઠીકરાંને નથી તોડતી; તે મનમાં બનાવેલા ખોટા “ઠામ” પણ ફોડી નાખે છે. કોઈ સ્વજનનો વિયોગ, નિષ્ફળતા, અપમાન, આર્થિક મુશ્કેલી કે પોતાના જ નિર્ણયની ભૂલ — આ બધું મનને હચમચાવી નાખે છે. માણસે પોતાના માટે ઊભા કરેલા અહંકારના, મોહના, અપેક્ષાના અને આસક્તિના અનેક કિલ્લા હોય છે. જીવનમાં એક ઠોકર આવે અને એ બધા ભ્રમ તૂટી જાય. ત્યારે સમજાય છે કે જેને કાયમી માનતા હતા તે તો ક્ષણિક હતું, અને પછી માણસને પોતાનું સાચું સ્વરૂપ દેખાય છે.
કવિ આગળ લખે છે : "ઠેબે ચડિયા ઠાવકાં, ઠાકર લઇ જા ઠામ"
અર્થાત ઠોકર એ માત્ર પતનનું પ્રતીક નથી; તે ચડવાની પ્રેરણા પણ છે. બાળક ચાલતા શીખે ત્યારે વારંવાર પડે છે, છતાં ફરી ઊભું થાય છે. એ પડવું જ તેના ચાલવાનું શિક્ષણ બને છે. તેવી જ રીતે જીવનમાં મળેલી દરેક નિષ્ફળતા આપણને વધુ મજબૂત બનાવે છે. એક એક ઠોકર માણસને અનુભવની એક એક સીડી ચડાવે છે.
પરંતુ આ યાત્રાનો અંત ક્યાં?
તો કવિ કહે છે : “ઠાકર લઇ જા ઠામ.”
અહીં “ઠાકર” એટલે પરમાત્મા — અને “ઠામ” એટલે અંતિમ ઠેકાણું. માણસ પ્રયત્ન કરે, ભૂલો કરે, ઠોકરો ખાય, ફરી ઊભો થાય; પરંતુ અંતે પોતાના જીવનનું સાચું ઠેકાણું પરમાત્માના ચરણોમાં જ મળે. અનેક નિષ્ફળતાઓનો સામનો કરી ઠોકરો ખાતાં ખાતાં ધન, માન, સંબંધો, પ્રતિષ્ઠા અને સફળતા — એ બધું મેળવતી વેળાએ સમજાય છે કે સાચું ઠેકાણું બહાર નહીં, પોતાના અંતરમાં અને પરમાત્માના ચરણોમાં છે. જાણે જીવનની દરેક ઠોકર જાણે ધીમે ધીમે એ જ પરમ તત્વને ઠેકાણે લઈ જતી હોય ....!

એટલે .....
પડીએ તો રડવું નહીં,
તૂટીએ તો અટકવું નહીં,
ઠોકર ખાઈએ તો પાછા વળવું નહીં;
ઠોકરમાંથી શીખવું અને આગળ વધવું.
કારણ કે જીવનની અંતિમ સમજ કદાચ એટલી જ છે
ઠોકરે ઠીકરું ભાંગ્યું,
ઠોકરે ભ્રમના ઠામ ફોડ્યા,
ઠોકરે જીવન સીડી ચડાવી,
અંતે...
ઠાકરના ઠામે પહોંચાડી
ઠોકર થકી ઈશ્વરકૃપા વરસે
આ સમગ્ર માર્ગને સરળ બનાવવા કવિ આગળ લખે છે :
નથી રાવ, નથી રંજ
નથી અરજી, નથી મરજી
નથી ખોટ, નથી ખટકો...
નથી સુખ, નથી દુઃખ
નથી આસક્તિ, નથી વિરક્તિ
નથી રાગ, નથી વિતરાગ
નથી પ્રશ્ન, નથી ઉત્તર.
સમથળ છે બધું...
સમતોલ છે બધું...
આ સ્થિતિમાં માણસ સુખને પકડી રાખવા દોડતો નથી અને દુઃખથી ભાગતો પણ નથી. રાગ તેને બાંધતો નથી અને દ્વેષ પણ તેને હલાવતો નથી. સુખ આવે તો સુખમાં વહેતો નથી અને દુઃખ આવે તો દુઃખમાં ડૂબતો નથી.
ભગવદ્ ગીતાના અધ્યાય 2 માં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે :
योगस्थः कुरु कर्माणि सङ्गं त्यक्त्वा धनञ्जय।
सिद्ध्यसिद्ध्योः समो भूत्वा समत्वं योग उच्यते॥ (श्लोक ४८)
હે ધનંજય (અર્જુન)! આસક્તિનો ત્યાગ કરીને, યોગમાં સ્થિર રહીને તું કર્મ કર. સફળતા અને નિષ્ફળતા બંનેમાં સમાન ભાવ રાખ; કારણ કે સમત્વને જ યોગ કહેવામાં આવે છે
दुःखेष्वनुद्विग्नमनाः सुखेषु विगतस्पृहः।
वीतरागभयक्रोधः स्थितधीर्मुनिरुच्यते॥ (श्लोक ५६)
દુઃખ આવે ત્યારે જેનું મન વિચલિત થતું નથી, સુખ પ્રાપ્ત થાય ત્યારે જેની આસક્તિ કે લાલસા વધી જતી નથી, અને જે રાગ, ભય તથા ક્રોધથી મુક્ત છે, તે મનુષ્ય સ્થિર બુદ્ધિવાળો મુનિ કહેવાય છે. દુઃખમાં નથી ઉદ્વેગ થતો, કે સુખમાં સ્પૃહા રહેતી નથી, તેની ચેતના સ્થિતપ્રજ્ઞ સ્થિતિમાં હોય છે.
આ અનુસંધાનમાં
ઠેબે ભાંગ્યું ઠીકરું, ઠેબે ફોડ્યાં ઠામ;
ઠેબે ચડિયાં ઠાવકાં, ઠાકર લઈ જા ઠામ! પંક્તિઓનો અર્થ વધુ રસપ્રદ બને છે:
“ઠીકરું” એટલે આપણું બનાવેલું નાજુક વ્યક્તિત્વ — “હું”, “મારું”, મારી માન્યતા, મારી અપેક્ષા, મારી ઇચ્છા.
જીવનની “ઠેબ” — એટલે અનુભવો, આઘાતો, સંજોગો, સુખ-દુઃખની આવનજાવન — આ “હું”ના ઠીકરાને ભાંગે છે. એ સાથે આપણે મનમાં ઊભા કરેલા અનેક “ઠામ” — આધાર, આગ્રહ અને આસક્તિના સ્થાન પણ ફૂટી જાય છે.
અને જ્યારે એ બધું ધીમે ધીમે છૂટે છે ત્યારે માણસ ઠાવકો બની સ્થિરતા, સંતુલન અને સમત્વ તરફ પ્રયાણ કરે છે. — “ઠાવકાં” ને પામે છે. એટલે તો કવિથી લખાઈ જાય છે :
“ઠાકર લઈ જા ઠામ”
તેથી આપેલી બંને રચનાઓને સાથે વાંચીએ તો લાગે છે કે “સમથળ છે બધું… સમતોલ છે બધું…” એ જ આખી વાતની ચાવી છે.
"ઠેબ" હવે દુઃખનું પ્રતીક નથી રહેતી;
"ઠેબ" એ ગુરુ બની જાય છે.
તે ઠીકરું ભાંગે છે,
મનના ખોટા ઠામ ફોડે છે,
અને અંતે મનને એટલું સમથળ અને સમતોલ કરી દે છે
કે માણસ પોતાના સાચા “ઠામ” — ઠાકર — તરફ વળી શકે.
પ્રસ્તુત પંક્તિઓમાં સ્થિતપ્રજ્ઞતા સાથે અદ્વૈતનો સ્પર્શ પણ ખૂબ સુંદર રીતે દેખાય છે.





