સામર્થ્ય શબ્દનું

ગઈકાલની સાંજ કંઈક ખાસ હતી. હેરિટેજ ઉત્સવ અંતર્ગત એક વિશેષ કવિસંમેલનમાં શ્રોતાઓની ભીડ વચ્ચે હું પણ એક ખૂણામાં બેઠો હતો. સ્ટેજ પર બિરાજમાન કવિઓ એક પછી એક રચનાઓથી વાતાવરણને જીવંત બનાવી રહ્યા હતા. કોઈ પ્રેમની વાત કરતું હતું, કોઈ પ્રકૃતિનાં સૌંદર્યને શબ્દોમાં ઢાળતું હતું, તો કોઈ જીવનના અનુભવોને કવિતામાં ગૂંથતું હતું. ત્યાં જ તાળીઓના ગડગડાટ વચ્ચે મંચ પરથી એક કવિએ સૂરીલા અવાજે લલકાર્યું : "શબ્દ અમારો સાહેબો ને શબ્દ જ પિયરવાટ....". કવયિત્રી જશુબેન બકરાણીયાની આ રચનાએ જાણે સમયને જ થંભાવી દીધો. ‘શબ્દનો મહિમા’ ગાતી એ કવિતાએ સમગ્ર સભાગૃહને મંત્રમુગ્ધ કરી દીધું હતું, દરેક શબ્દ સીધો હૃદય સોંસરવો ઊતરી રહ્યો હતો. આ રચનાને શ્રી વિજય મેવાડાએ પોતાની કલાત્મક રજુઆત સ્વરબદ્ધ કરીને સુંદર રીતે ગાઈ છે. સંમેલન પૂરું થતાં જ મેં એ રચના ધરાવતો કાવ્યસંગ્રહ ખરીદી વસાવી લીધો. https://youtu.be/gpfzgQBFm7o?si=wAJ0HyjA3Y-Sm4bA
ઘરે પરત ફર્યા બાદ પણ "શબ્દ અમારો સાહેબો ને શબ્દ જ પિયરવાટ..." એ પંક્તિઓ મનમાં ઘૂમરાતી રહી. કવિયત્રીની આ રચનાને વાંચતાં ને સાંભળતાં લાગ્યું કે પંક્તિઓ જાણે મન સાથે સંવાદ કરી રહી છે. સામર્થ્ય શબ્દોનું કેવું હોઈ શકે? એના વિચારોની સફર શરૂ થઈ. અનાયાસે જ હાથમાં કલમ આવી ગઈ અને કોરા કાગળ પર વિચારમાંથી જ શબ્દોનો એક નવો પ્રવાહ વહેવા લાગ્યો...
"શબ્દ" ... માત્ર બે અક્ષરનો બનેલો એક નાનકડો શબ્દ છે, પરંતુ એનું સ્વરૂપ વિરાટ છે. એની શક્તિ અનંત છે. શબ્દમાં સર્જન છે, જ્ઞાન છે, લાગણી છે જીવનનું રહસ્ય સમાયેલું છે. માનવીના વિચારોને વાચા આપવાનું અને મનના ભાવોને બીજા સુધી પહોંચાડવાનું કાર્ય શબ્દ કરે છે. વ્યવહારિક જીવનમાં શાશ્વત સત્યને સરળ લોકબોલીના લયમાં ઉજાગર આ શબ્દ જ કરે છે ને !
કવિતાની શરૂઆતમાં જ કવયિત્રી શબ્દને ‘સાહેબો’ (પ્રિયતમ/સ્વામી) અને ‘પિયરવાટ’ (પોતીકું, હૂંફાળું સ્થાન) કહીને, શબ્દ પ્રત્યેનો અનન્ય પ્રેમ વ્યક્ત કરે છે. જીવનના ટૂંકા (ચાર દિવસ જેવા) પ્રવાસમાં શબ્દ જ

જીવનનો સાચો સથવારો છે. શબ્દને પકડીને જ જીવનની સફર આગળ ચાલતી હોય છે. ક્યારેક કોઈ શબ્દ હિમ્મત આપે તો ક્યારેક કોઈ શબ્દ મનને અશાંત કરી જીવનની દિશા જ બદલી નાખે. શબ્દ વિના જીવનની કલ્પના પણ અધૂરી લાગે છે. જીવનમાંથી શબ્દની બાદબાકી કરી દેવામાં આવે, તો આખું જગત સૂનું અને નિર્જીવ ભાસે. વિચારો, અનુભવો, સંસ્કૃતિઓ અને પરંપરાઓ પેઢી દર પેઢી સુંધી શબ્દો દ્વારા જ જીવંત રહે છે. શબ્દમાં બ્રહ્માનો નાદ છે, વેદોનો સાર છે અને જ્ઞાનનો અખૂટ ભંડાર છે.

મૂર્ધન્ય કવિવર ઉમાશંકર જોશી ઈશ્વર પાસે માંગણી કરે છે :
"વાણી તણી વિરાટતાને વંદું હું વારંવાર,
શબ્દ થકી જ પામ્યો માનવી ભવસાગરનો પાર."
"શબ્દ તેં આપ્યો, હવે તું અર્થ દે,
કંઠ તેં આપ્યો, હવે તું ગીત દે."
કબીરજી શબ્દને જ પરમાત્માનું સ્વરૂપ માની કહેતા :
"સબદ બરાબર ધન નહીં, જો કોઈ જાણે બોલ;
હીરા તો દામો મિલે, સબદહિં મોલ ન તોલ."
(અર્થ: શબ્દ બરાબર બીજું કોઈ ધન નથી, જો કોઈ તેને સમજીને બોલે. હીરો તો પૈસાથી મળી શકે, પણ સાચા શબ્દનું કોઈ મૂલ્ય કે તોલ થઈ શકે તેમ નથી.)
મહાન તત્વચિંતક ભર્તૃહરિ પ્રસિદ્ધ ગ્રંથ ‘વાક્યપદીયમ્’ માં "શબ્દ"ની સર્વોચ્ચ સત્તાનું વર્ણન કરતાં લખે છે :
"अनादिनिधनं ब्रह्म शब्दतत्त्वं यदक्षरम् ।
विवर्ततेऽर्थभावेन प्रक्रिया जगतो यतः ॥"
(અર્થાત : "જેનો કોઈ આદિ કે અંત નથી, જે અવિનાશી (અક્ષર) છે, તે પરમ તત્ત્વ બ્રહ્મ પોતે જ ‘શબ્દતત્ત્વ’ છે. તે જ શબ્દબ્રહ્મ વિવિધ અર્થો અને રૂપોમાં પરિણમીને આ સમગ્ર જગતનું સર્જન અને સંચાલન કરે છે.")
"જ્યોતસે જ્યોત જલે" એ ન્યાયે શબ્દ જ શબ્દને જગાડે, શબ્દ જ શબ્દને ટેકો આપે. જે કોઈ શબ્દના સાચા

મર્મને સમજી જાય છે, તે મૌનના અંધકારને ચીરી નાખે છે. અને આ રીતે શબ્દ જ્ઞાનનો દીવો બની જાય છે, અને એ દીવાની વાટ પણ શબ્દ બને છે. શબ્દ માત્ર માધ્યમ ન રહેતાં, તે પોતે જ જ્ઞાન સ્વરૂપે પ્રકાશે છે. એકાંત સાથે પણ વાતચીત કરી શબ્દ મનનો મેલ ધોઈ હૃદયને નિર્મળ બનાવે છે. શબ્દના ઊંડા કૂવામાં ડૂબકી મારીને સંતો જ્ઞાનનાં મોતી શોધે છે અને તે મોતી સમાજને અર્પણ કરે છે, જગતને વહેંચી દે છે.
આધ્યાત્મિક ઊંચાઈની સાથે કવયિત્રી વ્યવહારિક જગતની વાસ્તવિકતા તરફ પણ અંગુલિનિર્દેશ કરે છે. શબ્દ એક બેધારી તલવાર જેવો છે. જો તે કડવો અને અવિચારી હોય, તો સામેવાળાના કાળજાને ચીરી નાખે છે અને સંબંધોમાં લોહીની ધાર વહેવડાવે છે—અર્થાત્ ઊંડા માનસિક ઘા આપે છે. તેનાથી વિપરીત, મીઠો અને પ્રેમાળ શબ્દ તૂટેલા હૃદયના ઘા રૂઝવવાનું ઔષધ બને છે અને બે વ્યક્તિઓ વચ્ચે અતૂટ પ્રેમનો તાર બાંધે છે. જીભમાંથી નીકળેલો શબ્દ પાછો ખેંચી શકાતો નથી. તેથી વાણી વર્તનમાં વિવેકનું મહત્વ સમજાવતાં કવિયત્રી કહે છે : "તોળી તોળી ને બોલજે ભાઈ, શબ્દ છે તલવાર રે!"
એટલે તો શબ્દના અનુસંધાને કહેવાયું છે :
"ક્યારેક બનીને મલમ એ રૂઝવે, ક્યારેક બનીને તીર એ વાગે;
સમજણના સૂર ભળે જો એમાં, તો પથ્થરમાં પણ પ્રાણ જગાડે."
અંતમાં શબ્દને ઈશ્વરના જમણા હાથ સમો ગણતાં કવિયત્રી કહેવા માંગે છે કે સાચો-સરળ, વિવેકયુક્ત અર્થપૂર્ણ શબ્દ મળવો એ જ ઈશ્વર કૃપા છે. જે વ્યક્તિ શબ્દનું મૂલ્ય સમજે છે, શબ્દની પવિત્રતા સાચવે છે અને તેનો ઉપયોગ સત્ય, પ્રેમ તથા કલ્યાણ માટે કરે છે, તે જ સાચો સાધક છે. શબ્દ જ એને મુક્તિના દ્વાર સુધી લઈ જાય છે. એટલે તો ગવાયું :

~~~~~~~~
"શબ્દની એરણ પર ચડીને જે ઘડાય છે,
એ જ અંતે તો અનાહત નાદ થાય છે."
"ભીતર ભર્યો છે ભંડાર, તું બહાર શું ખોળે?
એક જ શબ્દનો તાર, તને તારી સાથે જોડે."
~~~~~~~~
આમ, શબ્દ માત્ર ઉચ્ચાર નથી, એ તો ઈશ્વરીય અમૂલ્ય ભેટ છે. શબ્દમાં સર્જન પણ છે અને વિસર્જન પણ; શબ્દમાં પ્રેમ પણ છે અને પીડા પણ; શબ્દમાં જ્ઞાન પણ છે અને અજ્ઞાન પણ. શબ્દનો વ્યવહારિક વપરાશ સંબંધોમાં સ્નેહની સુવાસ ફેલાવે છે, જીવનપથમાં પ્રકાશ પાથરે છે,
ખરેખર, શબ્દને સમજવો એટલે જીવનને સમજવું,
શબ્દની સાધના કરવી એટલે ઈશ્વર નજીક જવાની સાધના.
રચનાકાર: કવિયત્રી જશુબેન બકરાણીયા સ્વરબદ્ધ અને કલાત્મક ગાયન-રજૂઆત: શ્રી વિજય મેવાડા
મૂળ રચનાના સર્જક અને તેની સુંદર સ્વરબદ્ધ રજૂઆત કરનાર બંનેનો હૃદયપૂર્વક આભાર. આ લેખમાં રજૂ કરાયેલા વિચારો અને અર્થઘટન લેખકના પોતાના ચિંતન અને સમજણ પર આધારિત છે.
મૂળ રચનાનો યશ તેના સર્જકને જ છે. 🙏🙏🙏





