સંસાર સાગરમાં સંયમનો સથવારો
Updated: 31 minutes ago

રવિવારની શાંત સવાર હતી. બાલ્કનીમાં બેસીને હું ચાની ચૂસકી લઈ રહ્યો હતો, ત્યાં જ બાજુના ઘરમાંથી એક નાનકડી બાળકીનો મીઠો, કાલીઘેલી ભાષામાં ગવાતો અવાજ કાને પડ્યો: "એક બિલાડી જાડી, તેણે પહેરી સાડી... સાડી છેડો છૂટી ગયો, મગરના મોઢામાં આવી ગયો!" આ સાંભળીને ચહેરા પર સહજ સ્મિત આવી ગયું. બાળપણમાં આપણે સૌએ આ જોડકણું હસી-હસીને ગાયું છે. પણ કોણ જાણે કેમ, આજે એ નિર્દોષ પંક્તિઓ મારા મનમાં અટકી ગઈ. "સાડી છેડો છૂટી ગયો..." — આ ચાર શબ્દો જાણે ભીતર ગૂંજવા લાગ્યા. મનમાં વિચાર ઝબક્યો કે આજના યુગમાં સુખસગવડો અને લાલચોનું પ્રમાણ વધી રહ્યું છે; મોબાઈલ, દેખાદેખી અને ઝડપી સફળતાની દોડમાં માણસના હાથમાંથી સંયમનો છેડો છૂટી જતાં વાર લાગતી નથી! તો શું આ માત્ર બાળકોને હસાવવાનું જોડકણું છે, કે પછી આપણા ઋષિ-કવિઓએ રમત-રમતમાં જીવન જીવવાની કોઈ બહુ મોટી ચેતવણી આમાં છુપાવી છે? ચાનો કપ બાજુ પર મૂકીને મેં કલમ ઉપાડી અને વિચારો કાગળ પર ઊતરવા લાગ્યા...
"એક બિલાડી જાડી, તેણે પહેરી સાડી..." — ગુજરાતી ભાષામાં ઉછરેલું ભાગ્યે જ કોઈ એવું બાળક હશે જેણે કવિ શ્રી ચંદ્રવદન ચી. મહેતા રચિત આ પંક્તિઓ ગાઈ ન હોય! આ માત્ર એક જોડકણું નથી, પણ આપણા સૌના બાળપણની એક અવિસ્મરણીય યાદ છે.

આ બાળકવિતાની મજા તેની નિર્દોષ કલ્પનામાં છુપાયેલી છે. કલ્પના કરો કે એક જાડી બિલાડી ઠસ્સાથી સાડી પહેરીને ફરવા નીકળે, અને સાડી પહેરીને જ તળાવમાં તરવા પડે! બાળકોના મનમાં આ દ્રશ્ય જ હાસ્ય અને કુતૂહલ જગાવે છે. પણ આગળ જતાં કવિતામાં નાટ્યાત્મક વળાંક આવે છે—તળાવમાં મગરને જોઈને બિલાડીને ચક્કર આવે છે, સાડીનો છેડો છૂટીને મગરના મોઢામાં આવી જાય છે અને મગર બિલાડીને ખાઈ જાય છે!
કવિતા ગાઈએ ત્યારે નજર સમક્ષ આવી રમુજી ઘટનાઓ અનેરો આનંદ આપે છે, પણ એ ઘટનાઓના ભીતરમાં જીવન જીવવાની એક બહુ મોટી ફિલસૂફી અને ચેતવણી છુપાયેલી છે. કવિ જીવનના ગંભીર સત્યને આ બાળજોડકણામાં સરળ પ્રતીકો દ્વારા ઉજાગર કરે છે.
આ કવિતામાં જે બિલાડી છે, એ 'મનુષ્ય'નું પ્રતીક છે, સાડી એ 'સંસ્કાર, મર્યાદા અને સંયમ'નું આવરણ છે, તળાવ એ 'સંસાર સાગર' છે અને મગર મનુષ્યની અંદર રહેલા કામ, ક્રોધ, લોભ અને મોહનું પ્રતીક છે.
જીવનમાં આનંદ કરવો, હરવું-ફરવું અને પ્રગતિ કરવી એ દરેકનો અધિકાર છે. બિલાડી પણ સાડી પહેરીને ફરવા નીકળી, ત્યાં સુધી બધું જ સુંદર હતું. મુશ્કેલી ત્યારે શરૂ થઈ જ્યારે તેણે પોતાની પરિસ્થિતિનું ભાન ભૂલીને ઊંડા તળાવના પાણીમાં ઝંપલાવ્યું. રમત અને આનંદના અતિરેકમાં એ ભૂલી ગઈ કે તળાવ જોખમી જગ્યા છે. સ્વતંત્રતા સાથે વિવેક તો હોવો જોઈએ ને!
તાજેતરમાં જ શ્રી પરશોત્તમ રૂપાલા સાહેબ સાથેના એક સંવાદમાં આપણા લોકપ્રિય કવિ શ્રી તુષાર શુક્લે પણ આ જ વાત અત્યંત માર્મિક રીતે રજૂ કરી હતી. એક અંગ્રેજી માધ્યમની શાળાના બાળકોને આ કવિતાનો મર્મ સમજાવતો પ્રસંગ યાદ કરતાં તેમણે બહુ સુંદર વાત કહી કે—"બિલાડી સરસ તૈયાર થાય, સાડી પહેરીને ફરવા જાય, તળાવ કાંઠે જાય કે મુક્તપણે આનંદ (ફ્રીનેસ) માણે તેનો કોઈ વાંધો નથી; પણ જેવો 'સાડી છેડો છૂટી ગયો' કે તરત જ મગરે એન્ટ્રી કરી! આટલું જો ધ્યાન રાખી લો ને, તો જીવનમાં કોઈ દિવસ વાંધો આવતો જ નથી."
ખરેખર, દરેક વસ્ત્ર અને વ્યવહારનું પોતાનું એક યોગ્ય સ્થાન હોય છે. સાડી પહેરીને બગીચામાં કે મંદિરમાં ફરવું શોભે, અરે... તળાવની આસપાસ કે પાળે ફરવું પણ ગમે! પરંતુ સાડી પહેરી હોય ને ઊંડા તળાવમાં કૂદી પડવું, એ અવિવેક છે. જીવનમાં પણ જ્યારે માણસ સ્થળ, કાળ અને પરિસ્થિતિને અનુરૂપ વર્તન કે પહેરવેશ નથી રાખતો, ત્યારે તે સ્વયં મુશ્કેલીને આમંત્રણ આપે છે.
સરોવર થઈને ખળખળ છલકાવું સહેલું છે, પણ કિનારાની મર્યાદામાં રહેવું એ સંયમ છે. પણ મનના રથને સાચી દિશામાં વાળવો, એ જ જીવનમાં સાચો વિવેક કહેવાય છે | अपनी पहुँच बिचारि कै, करतब करिए दौर। तेते पाँव पसारिए, जेती लाँबी सौर॥ (कवि वृंद) અર્થ: પોતાની શક્તિ, મર્યાદા અને પરિસ્થિતિનો વિચાર કરીને જ વ્યવહાર (વર્તન) કરવો જોઈએ. જેટલી ચાદર હોય તેટલા જ પગ લાંબા કરવા એ જ વ્યવહારુ વિવેકબુદ્ધિ છે. |
કવિતાની સૌથી મહત્ત્વની કડી છે, "સાડીનો છેડો છૂટી ગયો, મગરના મોઢામાં આવી ગયો." તળાવમાં કૂદ્યા પછી મગરને જોતાં બિલાડીને ચક્કર આવ્યા, અને એ એવી તો ભયભીત થઈ ગઈ કે સાડીનો છેડો છૂટી ગયો. જ્યારે માણસ ભય કે મોહમાં આવીને પોતાની માનસિક સ્થિરતા (વિવેક) ગુમાવી બેસે છે, ત્યારે તેના હાથમાંથી સંયમનો છેડો છૂટી જાય છે. એના આંતરિક વિકારો એને જકડી લે છે. ક્રોધ, મોહ, લોભ અને અહંકાર એના મન ઉપર હાવી થાય છે, પછી વિવેકબુદ્ધિ રહેતી નથી, અને અંતે એ જ વિકારો સર્વનાશ નોતરે છે—જેમ "મગર બિલ્લીને ખાઈ ગયો."

કવિ શ્રી આ બાળકાવ્ય દ્વારા હળવી રમુજની સાથે-સાથે જીવનદર્શન સમજાવે છે:
સંસારરૂપી તળાવમાં નિર્ભય થઈને હરો-ફરો,
પણ સંસ્કાર અને સંયમનો છેડો કદી છૂટવા ન દેશો.
વિવેક છૂટે... વિકાર જન્મે, વિકાર વિકસે... વિનાશ પામે!
શ્રી પરશોત્તમ રૂપાલા સાહેબનો લોકપ્રિય કવિ શ્રી તુષાર શુક્લ સાથેનો સંવાદ સાંભળવા કલીક કરો :
શ્રી પરશોત્તમ રૂપાલા સાહેબ તથા કવિ શ્રી તુષાર શુક્લનો હૃદયપૂર્વક આભાર.🙏🙏🙏





