top of page

નવા વર્ષે મળીએ ત્યારે.....

1 day ago
3 min read

Updated: 7 hours ago


કેલેન્ડરનું પાનું બદલાઈ ગયું અને નવા વર્ષનો સૂરજ ઊગીને હવે આથમવાની તૈયારીમાં હતો. નવા વર્ષના પ્રથમ મિલનનો એ અવસર હતો. સૌ મિત્રો ભેગા થયાં હતાં, એકબીજાને ભેટી રહ્યાં હતાં, હસી રહ્યાં હતાં, જૂની યાદો વાગોળી રહ્યાં હતાં અને વીતેલા સમયના હિસાબો માંડી રહ્યાં હતાં. ત્યાં બારણે ટકોરાં પડયા, બારણું ખોલ્યું તો  વર્ષો જૂનો પરિચિત ચહેરો સામે ઊભો હતો. કશું બોલાયું નહીં, બસ બે હાથ જોડાયા ને બે આંખો સહેજ ભીની થઈ...


એ રામ હતો. અમારી સાથે હોસ્ટેલમાં રૂમ પાર્ટનર હતો. રોજ રાત્રે અમારી મંડળી જાતજાતના ગપાટા મારે. રામને સ્ટોરી ટેલિંગ (વાર્તાઓ કહેવા)ની આવડત હતી. જૂની જૂની લોકવાયકાઓ ઉપર અમને બધાને વાર્તાઓ કહે. સાંભળવાની ખુબ મજા પડી જતી.  ક્યાંક હાસ્યના છાંટા હોય,

તો ક્યાંક ભીની આંખો હોય

તો ક્યાંક મૌન થઇ જવાતું. 


આવા જ એક આત્મીય મિલન વખતે એક વાર રામે અદ્રશ્ય પરમ બ્રહ્મનો આધ્યાત્મિક વિષય છેડયો પણ એનો અંત વ્યવહારિક અમલના બાબતે બધા વચ્ચે ઉગ્ર વાદવિવાદમાં પરિણમ્યો. છેવટે રામે ભારે હૈયે બોલ્યાચાલ્યા વિના વિદાય લીધી. તે દિવસ બાદ, રામ અમને કોઈને, કોણ જાણે કયા કારણોસર મળી શક્યો જ નહતો. કદાચ રામને અમારા વિરોધ કરતાં વધુ દુઃખ એ વાતનું થયું હતું કે અમે એની વાતના મર્મ સુધી પહોંચવાનો પ્રયત્ન જ કર્યો નહોતો. આજ એ વાતને વરસ પૂરું થવા આવ્યું હતું. 


બારણે ઉભેલા રામને અમે સૌએ લાગણીસભર આવકાર્યો. અમારાથી વિખુટા પડયા બાદ એણે “સંભાળ...ને!” નામનું એક પખવાડિક શરૂ કર્યું હતું. આ પખવાડિકના દીપોત્સવી અંકમાં એનો એક લેખ પ્રગટ થયો હતો. રામે અમારી સૌની સંમતિ લઈને એ લેખનું વાચન શરૂ કર્યું.



રામે સામયિક ખોલ્યું, ચશ્મા સરખા કર્યા અને અમારા તરફ નજર ફેરવી ગળગળા અવાજે બોલ્યો.......

"અરે..., સાંભળ ને.....!


નવા વર્ષે મળીએ ત્યારે થાય છે કે ફટાફટ અંદર ધરબાયેલી વાતો, ફરિયાદો, નવા ઉભરા, થોડાં સપનાઓ, આડા હાથે મુકાઈ ગયેલી વાતો, ભીની આંખ, હાશકારો, ઓડકાર અને એક ધરપત ફટાફટ વહેંચી લઈએ. ભીતરની ગાંઠો ખૂલતી જાય અને મન મોકળા થતાં જાય. 


આજે જ્યારે એકબીજાના જીવનના સરવાળા-બાદબાકીનો હિસાબ માંડવા બેસીએ, ત્યારે. .....ત્યારે લાગે છે કે એકલતાનો ભાગાકાર થયો ને સથવારાનો ગુણાકાર .....


હું તો ભીની આંખે સ્મિત સાથે હાથ જોડીને ઊભો છું. પરમાત્મા મને એકબીજાના મનમાં ધરબાયેલી ફાંસને ઓળખવાની અને એકબીજાના અભાવો તથા અધૂરપોને સમજવાની શક્તિ આપે, બસ એટલી જ પ્રાર્થના.


આપણે એકબીજાના ટેકે એવી રીતે હળીમળીને ગોઠવાઈએ કે બીજું કોઈ સાથે હોય કે ન હોય, પણ “આપણે છીએ તો બધું છે” એ ભાવ અને વિશ્વાસ આપણા દરેકમાં એક નવી સવારનો સંચાર કરે.


અને. ....બધું વહેંચી લીધા પછી પણ ઘડિયાળના ટક ટકાટક ટક .....ટક ટકાટક ટક કાંટે છુટા પડીએ ત્યારે બાકી રહી ગયેલી ને અધૂરી રહી ગયેલી વાતો આંગળી પકડી સતત ઉલેચતાં હોઈએ, ત્યારે  મને લાગે છે કે એ માત્ર અધૂરી વાતો જ નથી હોતી, પણ એકબીજાના સાથ અને સહકારની લાગણીઓનો ધોધ વહેતો હોય છે.


કાળનો પ્રવાહ તો અખંડ અને અનંત છે.

એમાં નવું શું? ને જૂનું શું?

દિવસો તો આવશે અને જશે,

વર્ષ પણ બદલાઈ જશે.

પણ આપણી પ્રેમભરી ચાહત તો એની એ જ રહેશે.

આપણા વડવાઓએ એક સરસ યુક્તિ કરી છે. સૌને પ્રતિ સમયાંતરે નવી શરૂઆત મળે, નવું જોમ, નવો ઉત્સાહ મળે, એ માટે..!

એટલે નવી યાત્રાના મંડાણ કરીએ.

વર્ષમાં ઉમરનો સરવાળો કરી, ગમતા અજવાળાનો માળો કરી 

નવા વર્ષે 

નવી દુનિયા નીરખીશું 

નવા સપના જોઈશું 

તન, મન , ધનથી એ સપના સાકાર કરીશું.

તો મિત્રો, વાતને અહીં વિરામ આપીએ.........,

બાકી શબ્દોના અર્થ તો આપણે આપણા હૃદયમાં શોધવાના છે. 

હવે કહો, નવા વર્ષે આપણે સૌ શું નવું ગૂંથવું છે?"

બહાર ફટાકડા ફૂટી રહ્યા હતા, પણ અમારી વચ્ચે વર્ષોથી વણકહેલી વાતો પછી એક અદ્ભુત શાંતિ પ્રસરી રહી હતી. હાથમાં પકડેલા ચાના કપમાંથી ઊઠતી વરાળ વચ્ચે અમે એકબીજાની આંખોમાં જોયું. લાગ્યું કે નવા વર્ષનો સૂરજ તો સવારે ઊગ્યો હતો, પણ અમારા મનમાં આજે પહેલી વાર એક સાચી નવી સવાર થઈ હતી...




 
 
bottom of page