મઠીયા પુરાણ

દિવાળીની આગલી સાંજે આખી સોસાયટીમાં મઠિયાની સુગંધ ફેલાઈ ગઈ હતી, અને એ સુગંધ સાથે જ શરૂ થઈ ગયો હતો ઓટલા પરનો ગપસપનો દરબાર. ચંપાબેને વણેલા મઠિયાની કડકાઈ પર લક્ષ્મીબેને ટીકા કરી, તો જમનાબેને ધીમેથી કહ્યું, "અરે, મઠિયા તો બહુ બનાવ્યા, પણ ગયા વર્ષે કોના મઠિયા ચવાણાની જેમ ચવાઈ ગયા હતા એ તો યાદ કરો!"
બસ, પછી શું...?, મઠિયાનો એક એક ટુકડો મોમાં મુકાતો ગયો ને સાથે સાથે આખી સોસાયટીના જૂના કિસ્સાઓ બહાર આવવા લાગ્યા.
"જુઓ ચંપાબેન, તમારા મઠિયા તો બહુ કડક છે, દાંત માટે જોખમી છે હોં...!" લક્ષ્મીબેને ચાની ચુસ્કી લેતાં કહ્યું.
ચંપાબેન ગુસ્સે ભરાયાં, "હા...હા, જાણે તમારા મઠિયા તો એવા પોચા હતા કે મોંમાં મુકો ને તરત ઓગળી જાય! એને મઠિયા કહેવાય કે મલાઈ?"
સંગીતાબેને બંનેને શાંત પાડતાં કહ્યું, "અરે..! એમાં ઝઘડો શું? સાચું કહું તો આ વર્ષે સૌથી સ્વાદિષ્ટ મઠિયા તો પાછલા બ્લોકવાળા શાંતાબેનના છે. પણ એ એમની રેસિપી કોઈને આપતા નથી!"
"સિક્રેટ રેસિપી?" લક્ષ્મીબેનની આંખો ચમકી, "એ તો હું કઢાવીને જ રહીશ!"
ત્યાં તો ઓટલા પાસેથી પસાર થતા પપ્પુભાઈ ડબ્બો છુપાવતાં બોલ્યા, "અહો..હો...! આ દિવાળી ટાણે શાની મંડળી ભેગી થઇ છે? લ્યો ..., હું તો બસ આ ડબ્બો પાછો આપવા આવ્યો છું..."
ત્રણેય એકસાથે બોલી ઊઠી, "ડબ્બો? કયો ડબ્બો? અને એમાં મઠિયા?, કેમ ઓછા લાગે છે?"

પપ્પુભાઈનો ચહેરો ઊતરી ગયો, અને ઓટલા પર ગપસપનો નવો અધ્યાય શરૂ થયો.
"પપ્પુભાઈ, ડબ્બો ખોલીને બતાવો! જોવું તો પડશે જ." ચંપાબેને હુકમ કર્યો.
પપ્પુભાઈએ ધીમેથી ઢાંકણ ખોલ્યું. અંદર ફક્ત મઠિયાના ભૂકાના બે-ચાર ટુકડા અને એક ચિઠ્ઠી પડી હતી: "શાંતાબેન, ખૂબ સરસ મઠિયા! ફક્ત ચાખવા લીધેલા. - એક ચાહક."
"ચાખવા?!" લક્ષ્મીબેને આંખો ફાડી, "આખો ડબ્બો આમ ચાખવામાં ખાલી થાય?"
પપ્પુભાઈ ગળું ખંખેરીને બોલ્યા, "અરે, શાંતાબેને જ કહ્યું હતું કે મઠિયા ચાખીને અભિપ્રાય આપજો. તો પછી બરાબર વ્યવસ્થિત રીતે ચાખીએ તો જ સાચો અભિપ્રાય અપાય ને ..!"
ત્યાં જ શાંતાબેન પોતે હાથમાં નવો ડબ્બો લઈને આવી પહોંચ્યાં. બધાં સ્તબ્ધ! ચંપાબેને તરત પૂછ્યું, "શાંતાબેન, તમારા મઠિયાના તો બહુ વખાણ થાય છે. કહો તો જરા....., તમારા મઠિયાનું સિક્રેટ શું છે?"
શાંતાબેન મંદ મંદ હસ્યાં, "એમાં કશું ય સિક્રેટ છે જ નહીં. બહુ સીધુ સાદુ છે" એમ બોલી શાંતાબેન ગાવા લાગ્યા. :

ખાંડણી-દસ્તાનો રણકો સુણીને, જાગે દિવસની સવાર,
સૈયર બધી ભેગી મળી, થઈ જઈએ મઠિયા સાટુ તૈયાર
અડદ ને મઠનો લોટ ચળાયો, ભળ્યા હિંગ-મરચાં ને મીઠું,
ચપટીક અજમો હાથે મસળ્યો,સ્વાદિષ્ટ આવું ક્યાં દીઠું?
ગરમ તેલનું મોણ રેડાયું, સુગંધ મહેંકી ચોપાસ,
પાણી છાંટી લોટ બાંધ્યો, હરખે ભર્યો ઉલ્લાસ.
દસ્તો લઈને હવે લોટને ટીપ્યો, કૂટ્યો વારંવાર,
ટીપી ટીપીને નરમ બનાવ્યો, લોટ તણો આકાર.

પતિ પણ સાથ પુરાવે, લોટ કુટવામાં હાથ લગાવે,
કહું જરા જોરથી કુટજો, મુખે હસતાં થાક ઉતરે ...!
દીકરી વણવા પાટલી સંભાળે,દીકરા - વહુ મદદે આવે
સૌ સાથે મળી કામ ઉપાડે, રસોડામાં દિવાળી ઊજાળે!
તાવડી -કડાઈ ચડે ચૂલે ને, તેલ ઊકળે ઝટપટ,
મઠિયુ નાખતાં છમછમ બોલે, ફૂલે ગાલ સમાન.
ઝારીમાં રાખી તેલ નિતારીએ, ઠંડા થાયની રાહ જોઈએ,
રાહ યે જુએ કોણ અહીં? એકાદ મઠિયુ ચાખતા જઈએ
એક ચાખ્યું ને બે થઈ ગયા, ત્રીજે પણ ક્યાં કોઈ રોકાય?

ડબ્બે ભરવા બેઠાં તો, અડધા મઠિયા ગાયબ થયા?
સોનેરી રંગે તળાઈ નીકળતાં, કરકરાહટ માણતાં
સગા વ્હાલાને મહેમાનો માટે, ડબ્બાઓ ય ભર્યા,
મહેમાનો આવે, પડોશીઓ આવે, મઠિયા ચાખે
ટોળેવળી ગપસપ કરતાં, કોઈ કોઈ રેસિપિ પૂછે
કોઈ વખાણે, કોઈ કરે ટીકા, કોઈ કોઈ રેસિપી પૂછે
સાચું કહું, મોજ તો બનાવવામાં ને ખાવામાં આવે!
"બસ આટલું જ? આમાં રેસિપીનું સિક્રેટ ક્યાં?" ત્રણેય બહેનો એકસાથે બોલી.
"હા, પણ સાચું સિક્રેટ તો બીજું છે," શાંતાબેને પપ્પુભાઈ તરફ જોઈને આંખ મીંચકારી.

પપ્પુભાઈ મલકીને બોલ્યા :
"ભળ્યો એમાં પતિનો પ્રેમ નિરાળો,
લોટ કુટવામાં જે હતો મતવાળો,
દીકરીના હાથનો ઉમળકો ભળ્યો,
દીકરા-વહુનો સ્નેહ બન્યો હેતાળો
સૌના સ્નેહનો મસાલો જે ભળ્યો,
મઠિયાંમાં ખુશીનો સ્વાદ મલ્યો"
😃🤣😃
શાંતાબેને સૂર પુરાવ્યો :
ભેગામળી સુખ શોધવાની અને સમૂહમાં રહેલી નમકીની કરકરાહટને મમળાવવાનો અનુભવ મળે છે મઠિયા બનાવતાં......બાકી "ચાખવાને બહાને જે ડબ્બો ખાલી કરે, એ જ સ્વાદનો સાચો કદરદાન"
"વાહ વાહ!" ત્રણેય બહેનો તાળીઓ પાડી ઊઠી, અને પપ્પુભાઈ ધીમેથી બોલ્યા, " આ છેલ્લું વાક્ય તો મારા માટે જ બોલાયું છે!"
આખો ઓટલો હાસ્યથી ગુંજી ઉઠ્યો.
ગપસપના દરબારમાં મઠિયાની મોજ ચાની ચુસ્કીઓ સાથે જામી.
પપ્પુભાઈને કરેલી કદરના ફળ રૂપે આવતા વર્ષે બધાં માટે મઠિયા બનાવવા મદદ કરવાની સંપૂર્ણ જવાબદારી મળી.
સાથે સાથે આવતી કાલે સાંજે બાજુમાં રહેતાં લતાબેનના ઘરે મેળાવડો જમાવવાનું નક્કી થયું.
બીજા દિવસે ........
દિવાળીની ગુલાબી ઠંડીમાં સાંજ ઢળતાં જ લતાબેનના ઘરે મહિલા મંડળી જામી ચૂકી હતી, જ્યાં દરેકને માટે ગરમાગરમ કટિંગ ચા અને પ્લેટમાં કકડાટી બોલાવતા મઠિયા હતા. સંગીતાબેને અડધું મઠિયું મોંમાં મૂકીને ‘કુર્ર્મ’ અવાજ સાથે આંખો મીંચી લીધી, જાણે કોઈ પરમ મોક્ષ મળી ગયો હોય! હજી તો ચંપાબેને એ ડબ્બામાંથી સૌથી મોટુ અને ફૂલેલું મઠિયુ ઉપાડવા હાથ લંબાવ્યો, ત્યાં જ ચર્ચા છેડાઈ કે “આખી દિવાળી એક તરફ અને આપણા આ ‘રાજાધિરાજ’ મઠિયાનું સામ્રાજ્ય આ તરફ!” બસ, પછી તો મઠિયાના લોટ બાંધવાની મથામણથી શરૂ કરીને સોસાયટીની પંચાત સુધીનું અસલી ‘મઠિયા પુરાણ’ ખીલી ઊઠ્યું.
"જાતે બનાવ્યા?"
"ના..ના. ...તૈયાર લાવ્યા"
"હું તો ઉત્તરસંડાથી મંગાવી લઉં છું."
"ગયા વર્ષે અમે ત્યાંથી જ લાવ્યા હતા"
"શું ભાવે આવ્યા? બધું બહુ મોંઘુ થઇ ગયું છે."
"જે ભાવ હોય તે, બાર મહિને એક વાર દિવાળી આવે છે."
"બહુ ફૂલી ગયા છે, આમાં ખારો વધારે લાગે છે"
"બરાબર તળાયા નહીં?"
"આ બાજુવાળાને ત્યાં પણ એટલા સારા નથી."
"જુના પધરાવી દીધા હોય એમ લાગે છે"
"બહુ તાજા લાવવામાં પણ તકલીફ થતી હોય છે"
"પણ જાતે બનાવવામાં આપણે એકલાએ જ કરવાં ને ..!"
"ઘરે બનાવવામાં અડધા ગુલ્લાં તો હરતાં ફરતાં જ ખવાઈ જાય"
"તમે ગેસ ફાસ્ટ રાખ્યો હશે, લાલ લાલ થઇ ગયા છે"
"અરે. .! કોકની નજર પડી ગઈ લાગે છે, બાકી મારા હાથે તો ક્યારે ય આવા થતાં નથી"
"આ લાલ કેમ થઇ ગયાં છે? તેલ બરાબર નહીં હોય? મિક્ષિન્ગવાળું તો ન'હતું ને ...!"
"તેલ વધારે રહી ગયું લાગે છે."
"હું તો ઝારીમાં જ રાખી નીતરવા દઉં, પછી જ બહાર કાઢું."
"જુના પધરાવી દીધા હોય એમ લાગે છે"
"બહુ તાજા લાવવામાં પણ તકલીફ થતી હોય છે"
"પણ જાતે બનાવવામાં આપણે એકલાએ જ કરવાં ને ..!"
"ઘરે બનાવવામાં અડધા ગુલ્લાં તો હરતાં ફરતાં જ ખવાઈ જાય"
"તમે ગેસ ફાસ્ટ રાખ્યો હશે, લાલ લાલ થઇ ગયા છે"
"અરે. .! કોકની નજર પડી ગઈ લાગે છે, બાકી મારા હાથે તો ક્યારે ય આવા થતાં નથી"
"આ લાલ કેમ થઇ ગયાં છે? તેલ બરાબર નહીં હોય? મિક્ષિન્ગવાળું તો ન'હતું ને ...!
"તેલ વધારે રહી ગયું લાગે છે."
"હું તો ઝારીમાં જ રાખી નીતરવા દઉં, પછી જ બહાર કાઢું."
"આવતીસાલ તો, નક્કી કર્યું કે લોટ લાવી જાતે જ બનાવું"
"પણ તમને તો તમારી વહુ મદદ કરે એટલે બનાવવાની હિમ્મત થાય."
"મારે તો એકલા જ કુટાવાનું હોય, બજારમાંથી લઇ આવીએ. શું થાય?"
"આ કઈ દુકાનના છે? સરનામું આપજો, આવતા વર્ષે ત્યાંથી જ લઈશ."
"દુકાનવાળાએ તો આ વખતે ભાવમાં જ દિવાળી કરી નાખી!"
"ગયા વર્ષે આટલા રૂપિયામાં એક કિલો મળતા હતા, હવે અડધો કિલો પણ નથી મળતો."
"શું ભાવે આવ્યા? બધું બહુ મોંઘુ થઇ ગયું છે."
"જે ભાવ હોય તે, બાર મહિને એક વાર દિવાળી આવે છે. "
"બજારમાંથી લાવીએ તો પણ જોખમ તો ખરું જ ને ..! ના ... સારા નીકળ્યા તો? "
"પેકેટ પર તો એક્સપાયરી ડેટ લખી છે, પણ બનાવ્યા ક્યારે હશે એ કોણ જાણે?"
"ખુલ્લા મઠિયા લેવા કરતાં પેકિંગવાળા સારા, ઓછામાં ઓછું ધૂળ તો ન લાગે."
"બધે ચાખીએ ત્યારે સારા લાગે, ઘરે લઈ આવો પછી સ્વાદ બદલાઈ જાય!"
"અરે, મઠિયા બનાવવા જેટલું સહેલું લાગે છે એટલું છે નહીં!"
"લોટ બાંધવામાં જ અડધો દિવસ નીકળી જાય."
"મઠિયા વણવા બેસો એટલે કમરનો દુખાવો શરૂ!"
"બહુ પાતળા ને પોચા થયા છે, મોઢામાં મૂકતાં જ ભુક્કો થઈ જાય છે."
"પેલા નાયનાબેનને ત્યાં તો બહુ જાડા મઠિયા.! કોણ ખાય? દાંતનું પણ ધ્યાન રાખવું પડે ને!"
"પણ બહુ પાતળા હોય તો જાણે પાપડ ખાતાં હોય એવું લાગે"
"આ વખતે તો મેં મશીનથી વણાવ્યા છે, હાથેથી કોણ કરે હવે?"
"મારી દીકરી કહે છે કે મમ્મી, આટલી મહેનત કરતાં ઓનલાઇન મંગાવી લો!"
"અરે...! આટલા બધા મઠિયા કોણ ખાશે? આખી સોસાયટીમાં મોકલવાના છે ? પાછા બગડી જશે તો?"
"એરટાઇટ ડબ્બામાં ભરી રાખજો, નહીં તો ભેજ લાગી જશે. રોટલી થઈ જશે "
"મારે તો મઠિયા દિવાળીથી ઉત્તરાયણ સુધી ચાલે!"
"છુપાવીને રાખીએ તો પણ ઘરના લોકોને શોધતાં વાર નથી લાગતી!"
"ઘરમાં છુપાવીને રાખવા પડે, નહીં તો બાળકો બધું પૂરું કરી નાખે."
"આ વખતે તો બે ડબ્બા વધારે ભર્યા છે, મહેમાનો આવે ત્યારે કામ લાગે."
"આમ તો ડોક્ટરે તળેલું ખાવાની ના પાડી છે, પણ દિવાળીમાં મન ક્યાં માને?"
"એક જ ખાઈશ એવું નક્કી કરીને બેસીએ, પછી ચાર-પાંચ ખવાઈ જાય!"
"કોલેસ્ટ્રોલની ચિંતા તો આખું વર્ષ કરવાની, દિવાળી તો એક જ વાર આવે!"
"એકવાર ખાઈ લેવાનું, દિવાળી પછી શરીરની ચિંતા કરવાની. જિમ જોઈન્ટ કરી લેવાનું"
"આમ જુઓ તો તમારા મઠિયા દર વર્ષેની જેમ સારા જ થયાં છે. શીખવાડજો જરા !"
"મારા દીકરાને અને એની વહુને મઠિયા બહુ ભાવે છે, એટલે એમના માટે ખાસ બનાવ્યા છે."
"અમારે દિવાળીમાં તો મીઠાઈની સાથે મઠિયા અને ચવાણું આપવું જ પડે !"

દિવાળી આવે, ફરસાણ બને,
ભાવ વધે ને બજેટ પણ તૂટે;
મઠિયા, સુવાળી, ઘૂઘરા, સેવ
વજન વધે પણ મન ના છૂટે!
એકબીજાના વખાણ કરીએ,
પાછળથી થોડી ટીકા પણ;
ડબ્બા ભરીને આપ-લે કરીએ,
ને ચાલે ગપસપ આખું વર્ષ!

મઠિયા ખૂટે, ચવાણું ખૂટે,
ઘૂઘરાનો ય થાય સફાયો;
બહેનોની આ ગપસપમાં
નવીન અધ્યાય ઉમેરાયો
🔻
📖





